Wednesday, August 26, 2009

~*~ફાંકો ઉતારી દીધો!~*~

ફાંકો ઉતારી દીધો!

બીજા જ અઠવાડિયાની વાત. બેલ વાગ્યો. દાદાજી હજી આવ્યા ન હતા. 
બંદા ચોથા ધોરણમાં બુદ્ધિપ્રતિભામાં ઝળક્યા અને દયાશંકર દાદાજીએ "મોનિટર"ની રૂઆબદાર પદવી આપીદીધી! 

પછી તો રાજ્જા, કાંઈ બાકી રહે? બંદા એક વેંત ઉપર થઈ ગયા! બે પિરિયડ વચ્ચે ક્લાસ 'કંટ્રોલ' કરવો; શિસ્ત જાળવવી; સહાધ્યાયીઓને ચુપચાપ બેસાડી રાખવા; વાતો કરે તેને ક્લાસ-બહાર ઊભા કરવાની શિક્ષા કરવી …. ભારે સત્તા મળી ગઈ!

  
સવારની વર્ગ-પ્રાર્થનાનો બેલ વાગ્યો ને આપણા ક્લાસમાં પ્રાર્થના શરૂ. મોનિટર સાહેબ'નું સુપરવિઝન શરૂ ! ક્લાસમાં આંટા મારતા મારતા બધા પર નજર રાખવાની ને જેની આંખો ખુલ્લી હોય તેની આંખો બંધ કરાવવાની. ન સાંભળે તો ઘાંટો પાડીને પણ! 
અરે ભાઈ, આ તો સત્તાનો નશો ! અંધ કરી દે! દિલ્હી હોય કે ગાંધીનગર કે ચોથું ધોરણ …. એ નશો બધે સરખો!!! 
અચાનક કોઈએ હાથ ઝાલી ક્લાસ બહાર ખેંચ્યો! કોની હિંમત થઈ મોનિટરનો હાથ ખેંચવાની? નજર ઊંચી કરી તો દયાશંકર દાદાજી! ભવાં ખેંચાઈ ગયેલાં. 


"કાં આંટા મારે છે?" 
મને લાગ્યું કે દાદાજીને ગેરસમજૂતિ થઈ લાગે છે …. ભૂલી ગયા લાગે છે … 
"સાહેબ મોનિટર છું …. આપે જ બનાવ્યો … ગયા અઠવાડિયે …" 


"પ્રાર્થના ચાલે છે .. નથી ખબર?" 


"સાહેબ, એટલે જ તો …. હું મોનિટર ….." 


દાદાજીની આંખોમાં રોષ પ્રગટવા લાગ્યો : 


"મોનિટર છું તો શું થઈ ગયું?
ભગવાનથી મોટો તો નથી થઈ 'ગ્યો" 


અને ગુસ્સાભર્યા દાદાજીના એ શબ્દોએ મોનિટરપણાનો, સત્તાનો, સફળતાનો ફાંકો ઉતારી દીધો … જીવનભર માટે! 
પછી તો અભ્યાસપ્રવૃત્તિમાં, અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં, જોબમાં … જીવનમાં માન સન્માન મળતાં રહ્યાં, પણ મજાલ છે કે નશો ચઢે!! 
જરાક ડગાય કે દાદાજીના રોષભર્યા શબ્દો યાદ આવે! 


"ભગવાનથી તો મોટો નથી થઈ 'ગ્યો"