Thursday, September 24, 2009

~*~સંબંધ ની સમજણ ~*~

એક નાનકડી છોકરી તેની મમ્મીને તેના પિતા માટે ટોસ્ટ તૈયાર કરતાં જોઈ રહી હતી. તેના પિતા ડિનર કરવા નહોતા માગતા, આથી તેમણે ટોસ્ટ શેકવા માટે કહ્યું હતું. છોકરીની મમ્મી દિવસભરના કામથી થાકી ગઈ હતી, પરંતુ પોતાના પતિની ઇચ્છા અનુરૂપ ટોસ્ટ શેકી રહી હતી. 

થોડા સમય પછી તેણે બળી ગયેલા ટોસ્ટ અને ફળોની પ્લેટ તેના પતિને આપી. છોકરી એ જાણવા ઇચ્છુક હતી કે બળી ગયેલા ટોસ્ટ જોયા બાદ તેના પિતાની પ્રતિક્રિયા કેવી હશે, જે પોતે દિવસભરના કામથી થાકીને ઘરે આવ્યા હતા. તેમના પેટમાં તકલીફ હતી, આથી જ તેમણે ટોસ્ટ ખાવાની ઇરછા વ્યકત કરી હતી.

પતિએ ટોસ્ટમાં કોઈ ખામી ન કાઢી, ઊલટાનું પત્ની તરફ જોઈને સ્માઇલ આપી, પછી તેની છોકરીને તેના દિવસભરના કામકાજ વિશે પૂછવા લાગ્યા. તેની છોકરીની વાતો સાંભળીને તેણે ટોસ્ટ પર બટર અને જેલી લગાવી અને પછી એક એક કરીને બધા ટોસ્ટ આરામથી ખાઈ લીધા. ડિનર પૂરું કર્યા બાદ પત્નીએ બળી ગયેલા ટોસ્ટ માટે તેમની પાસે માફી માગી. ત્યારે પતિએ કહ્યું કે, ‘ડિયર, મને બળેલા ટોસ્ટ ખાવા ગમે છે.’ 

તે રાતે તે છોકરી સૂવા માટે જતી વખતે તેના પિતાને ગુડ નાઇટ કહેવા ગઈ. ત્યાં તેણે પિતાને પૂછ્યું કે, ‘શું તમને ખરેખર બળેલા ટોસ્ટ સારા લાગ્યા?’ ત્યારે પોતાની દીકરીના માથે પ્રેમથી હાથ ફેરવતાં તેણે કહ્યું કે, ‘બેટા, તારી મમ્મી આખો દિવસ ઘરનું કામ કરીને બહુ થાકી ગઈ હતી. 

એક બળેલા ટોસ્ટ સિવાય તેણે બીજું કોઈ નુકસાન નહોતું કર્યું. તને ખબર છે કે જીવન અધૂરી વસ્તુઓથી ભરેલું છે. કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ નથી, કોઈ ને કોઈ દોષ દરેકમાં હોય છે. હું પણ સારું ભોજન નથી બનાવી શકતો અને ઘરની દેખભાળ પણ સારી રીતે નથી કરી શકતો.’ પોતાની વાત ચાલુ રાખતાં તેણે ઉમેર્યું કે, ‘આપણે બીજાની નબળાઈઓનો સ્વીકાર કરતાં શીખવું જોઈએ. આ ઉપરાંત એકબીજાના મતમતાંતરનું પણ સન્માન કરવું જોઈએ. 

આ ગુણોની મદદથી જ સ્વસ્થ સંબંધ બની શકે છે.’ ફંડા એ છે કે કોઈ પણ સંબંધનો મુખ્ય આધાર અરસપરસની સમજ છે. તે સંબંધ પછી ભલેને પતિ-પત્ની કે બાળકો અને વાલીઓ વચ્ચેનો હોય. યાદ રાખો કે, ‘એંગર’ અને ‘ડેન્જર’ ની વચ્ચે માત્ર એક જ આલ્ફાબેટનો ફરક હોય છે. 

No comments: